અયોધ્યામાં ગુજરાત સરકાર બનાવશે રૂ.80.25 કરોડનું ભવ્ય યાત્રી નિવાસઃ 308 બેડ અને 864 બેઠક ક્ષમતાની સુવિધા

ગાંધીનગર: અયોધ્યા જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.80.25 કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાની નિર્માણાધીન ટાઉનશીપમાં 6,929.28 ચોરસ મીટર વિસ્તારમાં આ સુવિધા વિકસાવવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા યાત્રી નિવાસમાં કુલ 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ તેમજ 864 બેઠક ક્ષમતાવાળો વિશાળ હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ અને ડાઇનિંગ એરિયા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે યાત્રી નિવાસ

શ્રદ્ધાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે યાત્રી નિવાસમાં ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને લેન્ડસ્કેપિંગ સહિતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. તેનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે અને આગામી એક વર્ષમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે તેને ખુલ્લું મૂકવાનું આયોજન છે.

અયોધ્યા જતા ગુજરાતીઓ માટે બનશે સુવિધાનું કેન્દ્ર

શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. આ વધતા પ્રવાસી અને શ્રદ્ધાળુ પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ પહેલ કરી છે.

સરકારના જણાવ્યા મુજબ, આ યાત્રી નિવાસ અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓ માટે રહેઠાણ અને અન્ય જરૂરી સુવિધાઓનું સુવિધાજનક કેન્દ્ર બનશે. સાથે જ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Comment

और पढ़ें