કન્ટેનરમાં સંતાડેલી 31,452 વિદેશી દારૂની બોટલો મળી; રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ, ત્રણ શખસોની શોધખોળ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર LCBએ બાતમીના આધારે લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર મોટી કાર્યવાહી કરી છે. રાસ્કા બોડીયા ગામના પુલ નજીક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરતાં રૂ.1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત કુલ રૂ.1,26,13,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કન્ટેનરમાંથી 31,452 બોટલો મળી
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હાઇવે પર વોચ ગોઠવી શંકાસ્પદ કન્ટેનરને રોક્યું હતું. કન્ટેનરની તલાશી દરમિયાન તેમાં સંતાડેલી 31,452 કાચની સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર ટ્રક, બે મોબાઇલ ફોન અને બે નંબર પ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત દારૂની કિંમત રૂ.1,00,93,980, કન્ટેનર ટ્રકની કિંમત રૂ.25 લાખ અને બે મોબાઇલ ફોનની કિંમત રૂ.20 હજાર આંકવામાં આવી છે.
રાજસ્થાનના ટ્રકચાલકને ઝડપી પાડ્યો
આ કેસમાં પોલીસે કન્ટેનર ચલાવનાર જુજારામ રીડમલરામ ગોદારા જાટ, રહે. પુરાવા ગામ, તાલુકો ધોરીમના, જિલ્લો બાલોતરા, રાજસ્થાનની ધરપકડ કરી છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટ્રક માલિક સહિત ત્રણ આરોપી વોન્ટેડ
પોલીસ તપાસમાં કન્ટેનર ટ્રકના માલિક ઉપરાંત નાસિકના રમેશકુમાર, જે દારૂનો જથ્થો મોકલનાર હોવાનું સામે આવ્યું છે, તેમજ દારૂ મંગાવનાર અજાણ્યા શખસની સંડોવણી અંગે વિગતો સામે આવી છે. હાલ આ ત્રણેય આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ બોરીચાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, કુલદીપ બોરીચા, સરદારસિંહ બારડ, ભરત સભાડ, મેહુલ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ પરમાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા.









