સૌરાષ્ટ્રમાં પાર્ક કરેલી બોલેરોના ટાયર ચોરતી બેલડી ઝડપાઈ: 16 ટાયર સહિત ₹6.91 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટની આજીડેમ પોલીસે પાર્ક કરેલી બોલેરો પીકઅપના ટાયર ચોરી કરતી બે શખ્સોની બેલડીને ઝડપી પાડી છે. બંને આરોપીઓ બોલેરો પીકઅપના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે અને ભાડાની સવારી દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરી પાર્ક કરેલી બોલેરોને નિશાન બનાવતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી વ્હીલ પ્લેટ સાથે 16 ટાયર, વાહન ઊંચકવા માટેનો જેક અને એક કાર સહિત કુલ ₹6.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લાલજી કરશન મેઘાણી (ઉ.વ.29) અને રાહુલ બાઘા ચિરોડિયા (ઉ.વ.26)નો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ ભાડાની સવારી લઈને અલગ-અલગ વિસ્તારમાં જતા ત્યારે આસપાસના વિસ્તારોની રેકી કરતા હતા. ત્યારબાદ પાર્ક કરેલી બોલેરો પીકઅપને ટાર્ગેટ કરી તેના પાછળના બંને ટાયર કાઢી લેતા અને ચોરી કરેલા ટાયર અન્ય બોલેરો ચાલકોને સસ્તા ભાવે વેચી દેતા હતા.

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલેન્ડા બસ સ્ટેન્ડ નજીક, કાળીપાટ ચોકડી પાસે મોમાઈ હોટલ અને ગોંડલ રોડ પર મીરા પાપડ પાસેથી બોલેરોના ટાયર ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. આ ગુનાઓની તપાસ દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.

અનેક સ્થળેથી ટાયર ચોરીની કબૂલાત

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી લાંબા સમયથી બોલેરોના ટાયર ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. જેમાં ખંભાળિયા, બેડીપરા-સંતકબીર રોડ, પડધરી, માધાપર ચોકડી, માંડાડુંગર, વાંકાનેર, નવાગામ, હુડકો ચોકડી, શાપર-ગોંડલ રોડ, મોરબી રોડ, કુવાડવા ચોકડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ 10 દિવસ પહેલાં ખંભાળિયા નજીકથી 3 ટાયરથી લઈને ત્રણ વર્ષ પહેલાં સાત હનુમાન મંદિર પાસેથી 2 ટાયર સુધીની ચોરીઓ અંગે કબૂલાત કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓએ અન્ય કેટલા વાહનોને નિશાન બનાવ્યા હતા તથા ચોરીના ટાયર કોને વેચ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે.

Leave a Comment