એશિયન ગેમ્સ 2026 : ટેકબોલમાં ભારતની ગોલ્ડ મેડલની આશાને ઝટકો લાગ્યો છે. મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતીય ખેલાડી ક્વિંસી ડિસોઝાને ઇન્ડોનેશિયાની ઇમા સુમાયા સામે 12-7, 9-12, 7-12થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ક્વિંસીએ મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને પ્રથમ સેટ 12-7થી જીતીને મજબૂત શરૂઆત કરી હતી. જોકે, ઇન્ડોનેશિયન ખેલાડીએ બીજા સેટમાં વાપસી કરતાં 12-9થી જીત મેળવી હતી. નિર્ણાયક ત્રીજા સેટમાં ક્વિંસીએ શરૂઆતમાં 3-0ની લીડ મેળવી હતી, પરંતુ સુમાયાએ જોરદાર પુનરાગમન કરીને સેટ 12-7થી જીતી લીધો હતો.
સેમિફાઇનલમાં જીત મેળવી હોત તો ક્વિંસીનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ જાત. હવે હાર બાદ પણ તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક યથાવત છે. તે રવિવારે જાપાનની વિઉના સકામોટો સામે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો કરશે.
ક્વિંસીએ ગ્રુપ તબક્કામાં જાપાન અને કમ્બોડિયાની ખેલાડીઓ સામે જીત મેળવી હતી અને ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, સેમિફાઇનલમાં મળેલી હારથી હવે તેની નજર બ્રોન્ઝ મેડલ પર રહેશે.
ટેકબોલની અન્ય સ્પર્ધાઓમાં પણ ભારતને સફળતા મળી નથી. મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.









