મુશળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર : ભારે ટ્રાફિક જામથી જનજીવન ખોરવાયું
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં આજે અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો હતો. સવારે 11 વાગ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા દિવસ દરમિયાન જ રાત જેવું અંધારું થઈ ગયું હતું. ત્યારબાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી.
12 ફ્લાઈટ્સનું જયપુર ડાયવર્ઝન
ભારે વરસાદ સાથે વિઝિબિલિટી ઘટી જતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ હતી. લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા 12 જેટલી ફ્લાઈટ્સને દિલ્હીથી જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
રસ્તાઓ પર પાણી, ટ્રાફિકની સ્થિતિ કફોડી
મુશળધાર વરસાદના કારણે દિલ્હી અને નોઈડાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મથુરા રોડ, સંગમ વિહાર, ITO અને કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી અને અનેક વિસ્તારોમાં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઓફિસ જતા લોકો અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
લો-પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ નજીક સક્રિય લો-પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે દિલ્હી-NCRમાં વરસાદી માહોલ બન્યો છે.
ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી છે. વરસાદ બાદ દિલ્હીની હવાની ગુણવત્તામાં પણ સુધારો નોંધાવાની શક્યતા છે.








