હાઉસિંગ બોર્ડના મકાનમાં દરોડો પાડી રૂ.17,600નો દારૂ કબજે, અન્ય બનાવોમાં અકસ્માત-મારામારી સહિતની ઘટનાઓ
મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 75 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વાસુભાઈ ભરતભાઈ લખતરીયાના મકાનમાં તપાસ કરતાં બે અલગ-અલગ બ્રાન્ડની કુલ 75 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.17,600 હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વાસુભાઈ લખતરીયા સામે ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સારવાર માટે વિવિધ બનાવોમાં લોકોને હોસ્પિટલ ખસેડાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ ખાતે રહેતા જશુબેન જયસુખભાઈ સિતાપરાને કોઈ જીવજંતુ કરડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટંકારા તાલુકાના વિરપર ગામે જયઅંબે પેકેજિંગ ખાતે કામ કરતી 25 વર્ષીય શીતલબેન ઠાકોરને સાપ કરડતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે સજનપર ગામે મજૂરી કામ કરતા પરિવારનો આઠ માસનો બાળક પ્રતિક રાકેશભાઈ પરમાર રમતી વખતે પાણીની કુંડીમાં પડી જતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
વાંકાનેર હાઇવે પર જાંબુડિયા ગામ નજીક 20 વર્ષીય જગાભાઈ વિંજુવાડિયા પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પેટલાદથી ગુમ થયેલી યુવતી મોરબીમાંથી મળી
પેટલાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 13 ઓગસ્ટે ગુમ થયેલી 22 વર્ષીય ઉમીયાબેન તળપદાની શોધખોળ દરમિયાન પોલીસને તેણી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે લક્ષ્મી સોસાયટીમાં તપાસ કરતાં ઉમીયાબેન એક મકાનમાં મળી આવી હતી. તેમની સાથે દતેલી, પેટલાદના 18 વર્ષીય વિજય ઠાકોર પણ મળી આવ્યો હતો. બંનેને પોલીસે હસ્તગત કરી વધુ તપાસ માટે પેટલાદ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
કૂતરું આડું ઉતરતાં બાઇક સ્લીપ
મોરબીના ઘુંટુ રોડ પર ગોપાલ કાંટા નજીક જૂના સ્મશાન પાસે અચાનક કૂતરું આડું ઉતરતાં બાઇક સ્લીપ થઈ હતી. અકસ્માતમાં વીસીપરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સચિન મોરવાડિયાને ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ વીસીપરા મદીના સોસાયટીમાં રહેતો બે વર્ષનો બાળક જોહન સાજીદ શેખ ભૂલથી કપડાં ધોવાનું લિક્વિડ પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જાંબુડિયામાં બાળકોના ઝઘડામાં બે પરિવારો સામસામે
જાંબુડિયા ગામમાં શેરીમાં રમતા બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે પરિવારો વચ્ચે સામસામી મારામારી થઈ હતી. ઘટનામાં 21 વર્ષીય અજય હરજીભાઈ આકરીયાને ચેતન, રોહિત સહિતના શખ્સોએ માર માર્યો હતો.
સામા પક્ષે 42 વર્ષીય હંસાબેન સનુરાને અજય, રાજુ અને અનિલ સહિતના શખ્સોએ માર માર્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.








