મોટા કોટડા નજીક દારૂની હેરાફેરીનો પર્દાફાશ

જૂનાગઢ રેન્જ પોલીસની વોચ દરમિયાન ટોરસ ટ્રકમાંથી 7,659 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો; ₹22.54 લાખનો મુદ્દામાલ જપ્ત

વિસાવદર પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી સામે જૂનાગઢ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોટા કોટડા ગામ નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલો ટાટા ટોરસ ટ્રક ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી દારૂની 7,659 બોટલો મળી આવી હતી. આ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રકમાં ખાસ રીતે તૈયાર કરાયું હતું ચોરખાનું

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દારૂની હેરાફેરી માટે ટ્રકના તળિયે લોખંડ અને લાકડાની પ્લેટો ફિટ કરીને ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં દારૂની બોટલો છુપાવીને લઈ જવામાં આવતી હતી. બગસરા તરફથી બિલખા તરફ જઈ રહેલા આ ટ્રકને મોટા કોટડા ગામ નજીક અટકાવી તપાસ કરવામાં આવી હતી.

કટર મશીનથી બહાર કાઢ્યો દારૂનો જથ્થો

ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂ બહાર કાઢવા માટે કટર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 7,659 બોટલ ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો ઉપરાંત ટાટા ટોરસ ટ્રક અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹22,54,182 હોવાનું જણાવાયું છે.

એક આરોપી ઝડપાયો, અન્ય સામે ગુનો નોંધાયો

પોલીસે આ કાર્યવાહી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામના રહેવાસી આલાભાઈ મેપાભાઈ સાવધારીયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત દેવાભાઈ નારણભાઈ સાવધારીયા અને વાપી ટોલનાકા પાસે ટ્રકમાં દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ સહિતના અન્ય લોકો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

દારૂની હેરાફેરીના નેટવર્કની તપાસ

જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકમાં દારૂ કોણે ભરાવ્યો હતો, હેરાફેરી પાછળ અન્ય કયા લોકોની સંડોવણી છે અને દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें