આંધ્રપ્રદેશમાં દોડતી ઇલેક્ટ્રિક કાર બની આગનો ગોળો: 4 લોકોનાં કરૂણ મોત, એકની હાલત ગંભીર

આંધ્રપ્રદેશના વિજયવાડા વેસ્ટ બાયપાસ પર એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. દોડતી ઇલેક્ટ્રિક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં કારમાં સવાર ચાર લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર લોકો ગુંટુરના નંબુર ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વિજયવાડા વેસ્ટ બાયપાસ પરથી પસાર થતી કારમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરો કારની અંદર જ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. મૃતકોમાં નુન્ના ગામના રહેવાસી કોમારેડ્ડી રામદેવ (39), તેમની માતા, એક બાળક અને નંબુરના રહેવાસી ટિગુ વિજયા હોવાની માહિતી સામે આવી છે.

ઇલેક્ટ્રિક કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. બેટરી સિસ્ટમમાં શોર્ટ સર્કિટ, ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલ અને ટેકનિકલ તપાસના અહેવાલ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવી શકશે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

और पढ़ें