સોમનાથ-2 વિસ્તારમાં લોહિયાળ હુમલો; વળતા હુમલામાં આરોપી પણ ઈજાગ્રસ્ત, યુનિવર્સિટી પોલીસ તપાસમાં
રાજકોટ: શહેરના સોમનાથ-2 વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મામલે કૌટુંબિક વિવાદ લોહિયાળ બન્યો હતો. ભત્રીજાએ પોતાના કાકા પર જીવલેણ હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે હુમલામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના દરમિયાન થયેલા વળતા હુમલામાં મુખ્ય આરોપી હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ અને તણાવનો માહોલ સર્જાયો હતો.
ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર સ્થળનો કબ્જો સંભાળી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસ મુજબ, પૈસાની લેતીદેતીને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે અંતે હિંસક સ્વરૂપ ધારણ કરતાં આ ગંભીર ઘટના બની હતી.
યુનિવર્સિટી પોલીસે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સહિત તમામ સંકળાયેલા લોકોની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાક્રમ બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









