અમદાવાદ ગ્રામ્યમાં નળ સરોવર પોલીસે નશાકારક કફ સીરપના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 24 કલાકના ટૂંકા ગાળામાં બે સ્થળે દરોડા પાડી કુલ 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
સ્વિફ્ટ કારમાંથી 80 બોટલ મળી
પોલીસને મળેલી બાતમીના આધારે નળ સરોવર પોલીસે સાણંદ તાલુકાના ઉપરદળ ગામે દરોડો પાડ્યો હતો. અહીં શંકાસ્પદ સ્વિફ્ટ કારની તપાસ કરતાં 80 બોટલ નશાકારક કફ સીરપ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર હરશન કોળીપટેલ અને કમલેશ સોલંકીને ઝડપી લીધા હતા.
પોલીસે કફ સીરપ, કાર સહિત રૂ.5.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં વધુ 370 બોટલનો જથ્થો મળ્યો
બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન કફ સીરપના સપ્લાયર તરીકે સદ્દામ ખલીફાનું નામ સામે આવ્યું હતું. પોલીસે સદ્દામને ઝડપી તેની પૂછપરછ કરતાં બાવળાના દેવડથલ ગામ નજીક ડાંગરના ખેતરમાં સંતાડેલો વધુ 370 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
બંને દરોડામાં પોલીસે કુલ રૂ.98,550ની કિંમતની 450 બોટલ કોડેઈનયુક્ત કફ સીરપ જપ્ત કરી છે.
નેટવર્કના વધુ આરોપીઓની શોધખોળ
પોલીસ તપાસ દરમિયાન કફ સીરપના આ નેટવર્કમાં બાવળાના ‘અનીયા’ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. પોલીસે તેની સામે પણ કાર્યવાહી શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કફ સીરપનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









