મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે સુરક્ષા સંબંધિત ખતરો હોવાની ગુપ્તચર બાતમી મળ્યા બાદ તેમની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. તેમને અગાઉથી Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, છતાં તાજેતરની બાતમીને પગલે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન અને ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત ઘરે વધારાનો પોલીસ બંદોબસ્ત, કાફલો અને CCTV પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.
અનિચ્છનીય ઘટના ટાળવા માટે સ્થાનિક પોલીસને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષા વધારવાનો નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે વિપક્ષી નેતાઓ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને CECના રાજીનામાની માગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીની આગેવાની હેઠળના ‘ઇન્ડિયા’ ગઠબંધનના વિરોધ પ્રદર્શનોને કારણે દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા બંધારણીય હોદ્દો ધરાવતા અધિકારીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની 221 ટુકડીઓ એટલે કે આશરે 23 હજાર જવાનો ઉપલબ્ધ કરાવ્યા છે. CRPFના જવાનોને જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
આ જવાનો સરકારી ઈમારતોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં દિલ્હી પોલીસને મદદ કરશે. મધ્ય દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.








