25 કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ નેટવર્ક સાથે જોડવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના

DBTથી રૂ.5 લાખ કરોડની બચત થઈ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના અમલથી સરકારી યોજનાઓના નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચતા થયા છે, જેના કારણે સરકારી નાણાંના લીકેજમાં ઘટાડો થયો છે અને સરકારને આશરે રૂ.5 લાખ કરોડની બચત થઈ છે.

દિલ્હીના યશોભૂમિ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને જણાવ્યું કે આજે સેંકડો સરકારી સેવાઓ મોબાઈલ ફોન મારફતે ઉપલબ્ધ બની છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે સરકારી કામગીરી અને જાહેર સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

મોદીએ કહ્યું કે સરકાર DBTના માધ્યમથી દર વર્ષે અંદાજે રૂ.50 લાખ કરોડની રકમ લાભાર્થીઓના ખાતામાં સીધી પહોંચાડે છે. આ પ્રક્રિયામાં મોબાઈલ ફોનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની છે અને મોબાઈલ ટેક્નોલોજી ગુડ ગવર્નન્સનું અસરકારક માધ્યમ બની રહી છે.

તેમણે જણાવ્યું કે અગાઉ સરકારી યોજનાઓના નાણાંની ચુકવણીની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં લીકેજ થતું હતું. હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી રકમ જમા થતી હોવાથી આ સમસ્યામાં ઘટાડો થયો છે. સાથે જ ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ ઝડપથી વધારો થયો છે.

મોબાઈલ હવે માત્ર વાતચીતનું સાધન નથી

વડાપ્રધાને કહ્યું કે મોબાઈલ ફોન હવે માત્ર વાતચીત કે ચેટિંગ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ઓનલાઈન સેવાઓ અને ડિજિટલ કનેક્ટિવિટીથી પ્રવાસ અને અન્ય ખર્ચમાં ઘટાડો થયો છે. બેન્કિંગ, શિક્ષણ અને જાહેર સેવાઓ સહિત અનેક ક્ષેત્રોમાં ડિજિટલ માધ્યમથી લોકોનું કામ સરળ બન્યું છે.

કોવિડ-19 દરમિયાન ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ હતી અને હવે ડિજિટલ શિક્ષણનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં મોબાઈલ કનેક્ટિવિટીના વિસ્તરણથી દેશને ડિજિટલ ડિવિડન્ડ મળવાનું શરૂ થયું છે.

25 કરોડ વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાશે

સરકારની આગામી મહત્વાકાંક્ષી યોજનાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે દેશમાં આશરે 25 કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન કોચિંગ અને શિક્ષણની સુવિધા આપવાની સાથે ભારતની વિવિધતા વિશે વધુ જાણકારી મળે અને તેઓ વધુ લોકો સાથે જોડાઈ શકે તેવો પણ પ્રયાસ રહેશે.

મોદીએ વધુમાં જણાવ્યું કે દેશમાં 5G નેટવર્કનો વ્યાપ સતત વધી રહ્યો છે અને આ વિસ્તરણમાં મોબાઈલ ટેક્નોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

Leave a Comment

और पढ़ें