દેશમાં મોંઘવારી અને વધતા વ્યાજદર વચ્ચે UPI વ્યવહારો પર 0.40 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની ચર્ચાનો વેપારી સંગઠનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. 15 ઓક્ટોબરથી પ્રસ્તાવિત આ ચાર્જના અમલને લઈને સરકાર હવે પુનર્વિચાર કરી રહી હોવાના સંકેતો મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, UPI ચાર્જનો અમલ આગામી 1 જાન્યુઆરી 2027 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. સાથે જ MDRમાંથી મુક્તિ માટે હાલની રૂ.1 લાખની ટર્નઓવર મર્યાદા વધારીને રૂ.40 લાખ સુધી કરવાની પણ શક્યતા છે. આ અંગે 15 ઓક્ટોબર પહેલાં જાહેરાત થઈ શકે છે.
દરમિયાન આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં UPI ચાર્જ લાગુ થાય તો તેના પર 18 ટકા GST વસૂલવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. સરકારનો નિર્ણય કઈ દિશામાં જશે તેનો સંકેત આ બેઠક બાદ મળી શકે છે.
તહેવારોની સિઝન શરૂ થઈ રહી હોવાથી UPI MDRનો અમલ ટાળવા સરકાર વિચાર કરી રહી છે. હાલ રૂ.2,000 સુધીના UPI વ્યવહારો પર ચાર્જમાંથી મળતી મુક્તિ યથાવત રહેવાની શક્યતા છે. આ મર્યાદા વધારવા અંગે હાલમાં કોઈ ચર્ચા ન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
ગઈકાલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની બેઠકમાં MDR લાગુ કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી. UPI સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં વેપારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી.
UPI ચાર્જ લાગુ થવાની ચર્ચા વચ્ચે ડિજિટલ વ્યવહારો પર તેની અસર અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. વેપારી વર્ગને રાહત આપવા માટે રૂ.40 લાખ સુધીના ટર્નઓવરની મુક્તિ મર્યાદા લાગુ કરવામાં આવે તો મોટા વેપારી વર્ગને તેનો લાભ મળી શકે છે.








