સાઉદી અરેબિયાના બે એરપોર્ટને હૂથી વિદ્રોહીઓએ ડ્રોન અને મિસાઈલથી નિશાન બનાવ્યા હતા. 6 અને 7 ઓક્ટોબરે આભા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા. હૂથી વિદ્રોહીઓએ બંને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આભા એરપોર્ટ પરના હુમલામાં મોરોક્કો અને અલ્જીરિયાની બે મહિલા નાગરિકોના મોત થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુડાનના એક નાગરિકનું મોત થયું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અરામકો રિફાઇનરી સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાનો દાવો
હૂથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ સાઉદી અરેબિયામાં અનેક સ્થળોએ મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાની જવાબદારી સ્વીકારી હતી. તેમણે રિયાધના કિંગ ખાલિદ એરપોર્ટ ઉપરાંત રબીગ સ્થિત અરામકો ઓઈલ રિફાઇનરી, આભા એરપોર્ટ, ખમિસ મુશૈત એરબેઝ અને અસીર પ્રદેશના અકીફા કેમ્પને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો.
સાઉદી ગઠબંધનની જવાબી કાર્યવાહી
બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં હૂથીઓના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. ગઠબંધનના જણાવ્યા અનુસાર, રિયાધ પર હુમલા માટે ઉપયોગમાં લેવાયેલા બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ પ્લેટફોર્મને યમનની રાજધાની સનામાં નષ્ટ કરવામાં આવ્યું છે.
યમનમાં હૂથીઓ સામે સૈન્ય અભિયાન ચાલુ
સાઉદી અરેબિયાના સમર્થનથી યમન સરકાર હૂથી વિદ્રોહીઓ સામે સૈન્ય અભિયાન ચલાવી રહી છે. 5 ઓક્ટોબરે સાઉદી સમર્થિત યમન સેનાએ બાબ અલ-મંદેબ અને મોચા જેવા મહત્વના વિસ્તારો પર ફરી કબજો મેળવવાનો દાવો કર્યો હતો. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 270થી વધુ સરકારી સૈનિકો અને હૂથી લડવૈયાઓના મોત થયાનું જણાવાયું છે.








