ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટાન સૌરવ ગાંગુલી હવે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ઋષભ પંતની IPL કારકિર્દીને નવી દિશા આપવાની જવાબદારી સંભાળશે. ગાંગુલીને દિલ્હી કેપિટલ્સનો નવો હેડ કોચ બનાવવામાં આવ્યો છે અને આગામી IPL સીઝનમાં પંત ફરી એકવાર દિલ્હી તરફથી રમતો જોવા મળશે.
ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી 111 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3,284 રન બનાવ્યા છે. તેણે ટીમની કપ્તાની પણ કરી હતી. જોકે, 2025માં તે રેકોર્ડ કિંમતે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો હતો. લખનૌ સાથેનો તેનો કાર્યકાળ અપેક્ષા મુજબ સફળ ન રહેતાં ટ્રેડ દ્વારા તેને ફરી દિલ્હી કેપિટલ્સમાં પરત લાવવામાં આવ્યો છે.
મિડલ ઓર્ડરમાં પંત ‘બિલકુલ ફિટ’
સૌરવ ગાંગુલીને વિશ્વાસ છે કે પંત દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ગાંગુલીએ કહ્યું કે ટીમને મિડલ ઓર્ડરમાં એક બેટ્સમેનની જરૂર હતી અને પંત આ ભૂમિકા માટે યોગ્ય છે.
ગાંગુલીએ જણાવ્યું કે પંત અગાઉ પણ દિલ્હી સાથે રહ્યો છે અને ટીમ માટે સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. આગામી સીઝનમાં તેને પૂરતો સમય, તક અને મેચનો અનુભવ મળશે તો તે વધુ સારો ખેલાડી બનીને પરત ફરશે તેવી તેમને આશા છે.
ગાંગુલીને ‘હિતોના ટકરાવ’નો મુદ્દો નહીં
દિલ્હી કેપિટલ્સના હેડ કોચની જવાબદારી સંભાળવા સાથે બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા અંગે ગાંગુલીએ હિતોના ટકરાવની શક્યતાને નકારી છે. તેમણે જણાવ્યું કે આ મામલે તેમની પાસે BCCIના લોકપાલનો આદેશ છે.
ગાંગુલીએ કહ્યું કે દિલ્હી કેપિટલ્સ આગામી સીઝનમાં સારું પ્રદર્શન કરશે અને નવી ભૂમિકા સંભાળવા માટે તેઓ ઉત્સાહિત છે.









