ભારતમાં ઈઝરાયેલના રાજદૂત વેન અઝારે ભારત અને ઈઝરાયેલ બંને દેશોને કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદની નવી લહેર અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનો સરકારો અને સુરક્ષા એજન્સીઓ કરતાં વધુ ઝડપથી પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે. તેથી આગામી ખતરાનો સામનો કરવા માટે સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ કરતાં પણ વધુ ઝડપથી અને સતર્કતાથી તૈયાર રહેવું પડશે.
ફ્લાયદુબઈ વિમાનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં અઝારે દાવો કર્યો કે હમાસ જેવા આતંકી સંગઠનો હવે દક્ષિણ એશિયામાં પણ પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસના નેતાઓની સ્થાનિક આતંકી સંગઠનો સાથે બેઠકો વધતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
અઝારે પહલગામમાં થયેલા આતંકી હુમલાને પણ આ જ વિચારધારાના પ્રભાવ સાથે જોડ્યો હતો. તાજેતરમાં ફ્લાયદુબઈ વિમાનમાં ઓમાની સહ-પાયલોટ હમામ અલ-હમ્મામીએ ઈમરજન્સી કુહાડી વડે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, તપાસમાં હુમલાખોર કો-પાયલોટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના સમયે ઈઝરાયેલના ફાઈટર જેટ્સ પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે વિમાનને તોડી પાડવા અંગે કોઈ નિર્ણય લેવાય તે પહેલાં જ તેનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
રાજદૂત અઝારે કહ્યું કે આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકતી હતી, પરંતુ ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરી અને મુસાફરોના સાહસને કારણે 174 લોકોના જીવ બચી શક્યા. ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોને અંદર પ્રવેશવાની તક આપી હતી, જેના કારણે હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી છે.








