રશિયામાં ઓઈલ રિફાઈનરીઓ પર યુક્રેનના હુમલાને કારણે અનેક રિફાઈનરીઓની કામગીરીને અસર થઈ છે. તેનો સીધો લાભ ભારતની રિફાઈનરીઓને મળ્યો છે. સપ્ટેમ્બરમાં ભારતમાંથી રશિયા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં ડિઝલની નિકાસ વધીને રોજના આશરે 6.20 લાખ બેરલ થઈ હતી.
યુરોપમાં ડિઝલ સપ્લાય 80% વધ્યો
સપ્ટેમ્બર દરમિયાન ભારતે યુરોપમાં રોજના આશરે 2.80 લાખ બેરલ ડિઝલ સપ્લાય કર્યું હતું. ઓગસ્ટની સરખામણીએ આ સપ્લાયમાં લગભગ 80 ટકાનો વધારો નોંધાયો છે. રશિયન રિફાઈનરીઓમાં ઉત્પાદનને અસર થતાં યુરોપ સહિતના બજારોમાં ભારતીય રિફાઈનરીઓ માટે માંગ વધી છે.
બીજી તરફ, રશિયામાંથી ડિઝલનો સપ્લાય ધીમે ધીમે ઘટ્યો છે. ભારતની ડિઝલ નિકાસમાં આફ્રિકન દેશોનો હિસ્સો રોજના આશરે 2 લાખ બેરલ, એશિયન દેશોનો 50 હજાર બેરલ અને અમેરિકાનો 40 હજાર બેરલ જેટલો રહ્યો છે. બાકીનો જથ્થો અન્ય નાના બજારોમાં મોકલવામાં આવ્યો છે.
ડિઝલના ભાવમાં થયો મોટો વધારો
સપ્ટેમ્બરમાં ઊંચા ક્રુડ ઓઈલના ભાવ અને વધેલા શિપિંગ ખર્ચને કારણે નિકાસ થતા ડિઝલના ભાવમાં પણ મોટો વધારો થયો છે. અહેવાલ મુજબ, એક મહિનામાં ડિઝલના ભાવ લગભગ બમણા થયા છે.
ગત મહિને ડિઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત પાસેથી ડિઝલની માંગમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. બીજી તરફ, ઊંચા ઈંધણના ભાવને નિયંત્રણમાં લાવવા અમેરિકા અને G7 દેશો પર તેમના વ્યૂહાત્મક રિઝર્વમાંથી પુરવઠો બજારમાં મૂકવા માટે દબાણ વધી રહ્યું છે.
આ નિકાસ અને ઊંચા ભાવના માહોલથી સરકારને પ્રતિ બેરલ આશરે 37 ડોલરનો વિન્ડફોલ ટેક્સ મળતો હોવાનું જણાવાયું છે.








