વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હૈદરાબાદમાં લગાવવામાં આવેલા પોસ્ટરો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેલંગાણા શિવસેના સાથે સંકળાયેલા કાર્યકરોએ શહેરના કેટલાક વિસ્તારોમાં આ પોસ્ટરો લગાવ્યા હોવાનું જણાવાયું છે.
પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લક્ષ્મણ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભગવાન હનુમાનના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરો સામે કેટલાક કાર્યકરો દ્વારા દૂધનો અભિષેક કરવાની તૈયારી પણ કરવામાં આવી હતી.
‘તેલંગાણા શિવસેના’ નામે કાર્યરત સંગઠન દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સંગઠનના પ્રમુખ સિંક શિવાજીએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવતા તેમના વખાણ કર્યા હતા.
શિવાજીએ જણાવ્યું હતું કે, તેલંગાણા શિવસેના અને તેમના નેતા એકનાથ શિંદે તરફથી નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ધાર્મિક સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, યુગો-યુગોમાં જ્યારે અસુરો અને રાક્ષસોનો પ્રકોપ વધ્યો ત્યારે દૈવી શક્તિએ વિવિધ સ્વરૂપોમાં અવતાર લઈને તેમનો વિનાશ કર્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે વર્તમાન કલિયુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામના સ્વરૂપ તરીકે જોઈ શકાય છે. આ ધાર્મિક રૂપક ધરાવતા પોસ્ટરોને લઈને હૈદરાબાદમાં રાજકીય અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે.








