ચોથી T20માં કિવી ટીમે ભારત સામે 260 રનનો લક્ષ્યાંક મૂક્યો; ફિલિપ્સે 49 બોલમાં 107 અને બ્રેસવેલે 25 બોલમાં 65 રન ઝૂડી કાઢ્યા
ક્રિકેટ: ભારત સામેની ચોથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે આક્રમક બેટિંગનું પ્રદર્શન કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 259 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. ગ્લેન ફિલિપ્સની સદી અને માઈકલ બ્રેસવેલની તોફાની અડધી સદીની મદદથી કિવી ટીમે ભારતને જીતવા માટે 260 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખાસ રહી નહોતી. ટિમ સેઇફર્ટ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ડેરિલ મિચેલે 24 રનનું યોગદાન આપ્યું હતું. આથી કિવી ટીમે 34 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ ફિન એલને 31 રન બનાવ્યા હતા, જ્યારે જેકબ ચેપમેન 4 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે 112 રનમાં ચાર વિકેટ ગુમાવનાર ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં જણાતી હતી. જોકે, ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલે ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.
ફિલિપ્સ અને બ્રેસવેલની 115 રનની ભાગીદારી
ફિલિપ્સ અને બ્રેસવેલે પાંચમી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 115 રનની તોફાની ભાગીદારી નોંધાવી હતી. બ્રેસવેલે માત્ર 25 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગે ન્યૂઝીલેન્ડના રનરેટને જબરદસ્ત વેગ આપ્યો હતો.
બીજી તરફ ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ફિલિપ્સ આઉટ થયો હતો. બંને બેટ્સમેનોની તોફાની રમતના કારણે ન્યૂઝીલેન્ડે 259 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.
મયંક યાદવને ત્રણ વિકેટ
ભારત તરફથી મયંક યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ અને નીતિશ રેડ્ડીએ એક-એક વિકેટ મેળવી હતી. ભારતીય બોલરોને ફિલિપ્સ અને બ્રેસવેલની આક્રમક બેટિંગ સામે રન રોકવામાં મુશ્કેલી પડી હતી.
આ મેચમાં ભુવનેશ્વર કુમાર અને વૈભવ સૂર્યવંશીનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. સિરીઝમાં અગાઉની ત્રણેય મેચ જીતીને ભારત પહેલેથી જ 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે. હવે ચોથી મેચમાં 260 રનના લક્ષ્યાંકનો પીછો કરીને ભારત જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.









