બદ્રીનાથથી પરત ફરતી વખતે ચાય ગામની પહાડી પાસે ક્રેશ થયું ટ્રાન્સ ભારતનું હેલિકોપ્ટર; ખરાબ હવામાન વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
જોશીમઠ: ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં હેલિકોપ્ટરની ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ ધામનાં દર્શન કરીને પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત કંપનીનું હેલિકોપ્ટર મારવાડી વિસ્તારના ચાય ગામ નજીક પહાડી પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત થયાં છે.
ATC સાથે સંપર્ક તૂટ્યા બાદ શોધખોળ શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટરે બદ્રીનાથથી પરત ફરવા માટે ઉડાન ભરી હતી. જોકે, જોશીમઠના મારવાડી વિસ્તારમાં ચાય ગામની પહાડી પાસે અચાનક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટર રડાર પરથી ગાયબ થતાં દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
પાયલોટ સહિત છ લોકોનાં મોત
ચમોલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) વિવેક પ્રકાશના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં પાયલોટ ઉપરાંત પાંચ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, દુર્ઘટના ગંભીર હોવાથી કોઈને જીવિત બચાવી શકાયા નહોતા.
દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ
પહાડી વિસ્તાર અને ખરાબ હવામાનને કારણે શરૂઆતમાં રાહત કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાથી ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. ચારધામ યાત્રા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં હવાઈ સેવા અને હવામાન સંબંધિત સુરક્ષાના મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.








