GST પોર્ટલ 28 કલાક રહેશે બંધ, કરદાતાઓએ શનિવાર પહેલાં જરૂરી કામ પૂર્ણ કરવા સૂચના

31 ઑક્ટોબરે સવારે 9થી 1 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધી ટેકનિકલ અપગ્રેડેશન; ઈ-ઇન્વૉઇસ અને સંબંધિત સેવાઓ ખોરવાશે

વસ્તુ અને સેવા કર (GST) ભરતા કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર છે. GST પોર્ટલનું ટેકનિકલ અપગ્રેડેશન હાથ ધરવામાં આવનાર હોવાથી પોર્ટલ પર કેટલીક મહત્ત્વપૂર્ણ સેવાઓ 28 કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં. આથી કરદાતાઓએ ઈ-ઇન્વૉઇસ સહિતનાં જરૂરી ટેક્સ સંબંધિત કામ સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવી છે.

GST વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પોર્ટલના પાયાના ટેકનિકલ માળખાને અપગ્રેડ કરવાની કામગીરી 31 ઑક્ટોબરે સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને 1 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કેટલીક સેવાઓમાં વિક્ષેપ રહેશે.

ઈ-ઇન્વૉઇસ સંબંધિત સેવાઓ પર અસર

આ અપગ્રેડેશન દરમિયાન ઈન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) પરથી ઈ-ઇન્વૉઇસનો ડેટા મેળવવા અને તેનું પ્રોસેસિંગ કરવા જેવી કામગીરી કરી શકાશે નહીં. આ ઉપરાંત GST R-1માં ઈ-ઇન્વૉઇસનો ડેટા આપમેળે નોંધાવવાની સુવિધા તેમજ API મારફતે ઈ-ઇન્વૉઇસ JSON ડાઉનલોડ કરવાની સેવા પણ પ્રભાવિત થશે.

કરદાતાઓને અગાઉથી આયોજન કરવા અપીલ

GST વિભાગે કરદાતાઓ અને અન્ય સંબંધિત પક્ષોને આ સમયગાળાને ધ્યાનમાં રાખીને પોતાના કામનું આયોજન કરવા અપીલ કરી છે. ખાસ કરીને ઈ-ઇન્વૉઇસ અને રિટર્ન સંબંધિત કામગીરી માટે પોર્ટલ પર નિર્ભર કરદાતાઓએ છેલ્લી ઘડીની મુશ્કેલી ટાળવા અગાઉથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ.

ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. તેથી GST પોર્ટલનો ઉપયોગ કરતા વેપારીઓ, ઉદ્યોગકારો, એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ પ્રોફેશનલ્સે નિર્ધારિત સમયગાળાની નોંધ રાખવી જરૂરી છે.

Leave a Comment

और पढ़ें