અમેરિકાના ઓરેગોનમાં બે હેલિકોપ્ટર હવામાં અથડાયાં: ત્રણનાં મોત

મેકમિન્નવિલે મ્યુનિસિપલ એરપોર્ટ નજીક અકસ્માત; ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર, તાલીમાર્થી પાઇલટ અને અન્ય એક પાઇલટનાં મોત

અમેરિકાના ઉત્તર-પશ્ચિમ ઓરેગોનમાં ગુરુવારે બપોરે બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં ભયાનક ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોર્ટલેન્ડથી આશરે 40 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા મેકમિન્નવિલે મ્યુનિસિપલ એરપોર્ટ નજીક બપોરે લગભગ 2:15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ યામહિલ કાઉન્ટી શેરિફ ઓફિસના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, બંને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

એક હેલિકોપ્ટરમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને તાલીમાર્થી સવાર હતા

સ્થાનિક શેરિફ સેમ એલિયટે આપેલી માહિતી મુજબ, પ્રથમ હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા. તેમાં ટેક્સાસના એક અનુભવી ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગડમથી પાઇલટની તાલીમ લેવા આવેલા સ્ટુડન્ટ પાઇલટનો સમાવેશ થતો હતો.

બીજા હેલિકોપ્ટરમાં ઓરેગોનના ન્યુબર્ગ શહેરનો એક પાઇલટ એકલો સવાર હતો. બંને હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણેયનાં મોત થયાં હતાં.

તપાસ માટે વિસ્તારને સુરક્ષિત કરાયો

અકસ્મા‌ત બાદ સુરક્ષા અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. શેરિફ ઓફિસે સામાન્ય નાગરિકોને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાંથી દૂર રહેવા અપીલ કરી છે, જેથી બચાવ અને તપાસની કામગીરીમાં કોઈ અડચણ ઊભી ન થાય.

હાલ અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તેની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ દુર્ઘટનાનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.

Leave a Comment

और पढ़ें