માલવણ-વિરમગામ હાઈવે પર રૂ. 1.42 કરોડનો દારૂ ઝડપાયો

સેડલા ગામ પાસે વિદેશી દારૂ ભરેલો ટ્રક બિનવારસુ હાલતમાં મળ્યો; 34,236 બોટલો જપ્ત, ચાલક ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-વિરમગામ હાઈવે પર બજાણા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સેડલા ગામના બોર્ડ પાસે દારૂ ભરેલો ટ્રક બિનવારસુ હાલતમાં મળી આવતાં પોલીસે તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 34,236 બોટલો જપ્ત કરી હતી. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 1.42 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ટ્રક ભગાવી મૂક્યો હતો. પોલીસે પીછો કરતાં ચાલક સેડલા ગામના બોર્ડ પાસે ટ્રક મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 1.02 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલો આશરે રૂ. 40 લાખની કિંમતનો ટાટા 4830 ટ્રક પણ પોલીસે કબજે કર્યો છે.

તપાસ દરમિયાન ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ટ્રકનો અસલ નંબર ઝારખંડ રાજ્યનો JH-20-H-5568 હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફરાર ચાલકની શોધખોળ સાથે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें