મીઠાઈ-ફરસાણ સહિતની ખાદ્યપદાર્થોની દુકાનોમાં ચેકિંગ; પાંચ પેઢીઓને નોટિસ અને 12 ખાદ્ય નમૂના લેબોરેટરીમાં મોકલાયા
દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ વિભાગે શહેરમાં વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરની કુલ 46 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાસી, પડતર, અખાદ્ય અને એક્સપાયર્ડ મળી આવેલો કુલ 22 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનો સામે કાર્યવાહી
ફૂડ વિભાગની તપાસમાં સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા, જરૂરી લાઇસન્સ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતી પાંચ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કુલ રૂ. 3,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ વિવિધ ખાદ્યપદાર્થોના 12 નમૂના લેવામાં આવ્યા છે, જે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દાઝેલા તેલ અને પડતર ઠંડાં પીણાંનો નાશ
એ.જી. ચોક, પુષ્કરધામ રોડ કોર્નર અને કાલાવડ રોડ પર આવેલી હરિયોગી લાઇવ પફમાંથી લેબલ વગરનાં પડતર ઠંડાં પીણાંનો નાશ કરીને રૂ. 1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. પરાબજાર ખાતે ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે આવેલી માઁ વૈષ્ણવી કેળા વેફરમાંથી 10 કિલો દાઝેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 500નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
જય દ્વારકાધીશ ચાઇનીઝ પંજાબીને સ્ટોરેજની વ્યવસ્થા અંગે નોટિસ આપી રૂ. 1,000નો ચાર્જ વસૂલાયો હતો. જ્યારે શ્રી બાલાજી ફરસાણ માર્ટને મીઠાઈ પર ‘યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. અહીંથી ગુંદીના લાડુ અને ચવાણાના નમૂના પણ લેવામાં આવ્યા હતા.
મીઠાઈ, મુખવાસ અને નમકીનના નમૂના લેવાયા
નંદા બ્રધર્સ પાસેથી ચોકો બોલ કન્ફેક્શનરી અને મિક્સ મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા. રામેશ્વર ડેરી ફાર્મમાંથી ભાખરવડી નમકીન અને કાજુ કતરીના, જ્યારે અમૃત મુખવાસમાંથી તલ-અળસીના મિક્સ મુખવાસ તથા મીઠા પાન મસાલા માઉથ ફ્રેશનરના નમૂના લેવાયા હતા.
પ્રકાશ સ્ટોર્સમાંથી આમળા કેન્ડી અને તલ-ધાણાદાળ મિક્સ મુખવાસના નમૂના લેવામાં આવ્યા હતા. પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી કાજુ કેરેમલ લાડુ અને મકાઈ પૌવા ડ્રાયફ્રૂટ ચેવડાના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આશાપુરા હોટલ (પાન કોલ્ડ્રિન્ક્સ)ને લાઇસન્સ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
શહેરભરમાં અનેક પેઢીઓમાં ચેકિંગ
ફૂડ વિભાગ દ્વારા રામેશ્વર ચોક, નાણાવટી મેઇન રોડ, પરાબજાર, નવા નાકા રોડ, કાલાવડ રોડ અને અન્ય વિસ્તારોમાં આવેલી વિવિધ દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં વિશ્વાસ પ્રોવિઝન સ્ટોર, હિંગળાજ ફાસ્ટ ફૂડ, ચામુંડા ફરસાણ, વી.એસ. એન્ટરપ્રાઇઝ, ધ ગીર દેશી ભાણું, યોનો ફાસ્ટ ફૂડ, ગુજ્જુ ગ્રીલ પોઇન્ટ, જલારામ વેફર્સ, સર્વોત્તમ લાઇમ બેકરી, પૂજા પાણીપુરી, સોડા કાફે, લક્ષ્મી નાસ્તા સેન્ટર, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, પંચનાથ ફરસાણ, શ્રી હરિ દાળ-પકવાન, શિવ સુપર માર્કેટ, વ્રજ કોલ્ડ્રિન્ક્સ સહિતની પેઢીઓનો સમાવેશ થાય છે.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ કામગીરીમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, સંગ્રહ અને લાઇસન્સ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. લેબોરેટરીમાં મોકલાયેલા નમૂનાઓના અહેવાલ બાદ જરૂર જણાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.








