રાજકોટમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ

તહેવારો પહેલાં SMCની મેગા ડ્રાઇવ; ન્યુ નહેરુનગર અને અટીકા વિસ્તારમાં દરોડા પાડી 553 ગેસ સિલિન્ડર જપ્ત, બે ગુનામાં 22 શખ્સો સામે કાર્યવાહી

રાજકોટ, તા. 30: તહેવારો પહેલાં રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ગેરકાયદે ગેસ રિફિલિંગ અને સિલિન્ડરની સંગ્રહખોરીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. શહેરના અટીકા વિસ્તારમાં આહીર ચોક નજીક આવેલા ન્યુ નહેરુનગરમાં પાંચથી વધુ સ્થળોએ દરોડા પાડીને ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 553 ગેસ સિલિન્ડર જપ્ત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. બે અલગ-અલગ ગુનામાં કુલ 22 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કેટલાકની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે.

SMCની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ન્યુ નહેરુનગર અને અટીકા સાઉથ વિસ્તારમાં આવેલા મકાનો તથા ગોડાઉનમાં ઘરવપરાશ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાંથી ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ગેસ એજન્સીઓના સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કરીને શહેરમાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે ટીમે દરોડા પાડ્યા હતા.

પ્રથમ દરોડામાં 313 સિલિન્ડર મળ્યા

SMCના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. અટીકા વિસ્તારના આહીર ચોક નજીક ન્યુ નહેરુનગરની શેરીઓમાં આવેલા મકાનો અને ગોડાઉનમાં તપાસ દરમિયાન 313 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ કેસમાં અમિત ધીરુભાઈ ડાંગર અને આશિષ રમેશભાઈ ગોંગરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.

ફરિયાદ મુજબ, આરોપીઓ પોતાના તેમજ ભાડાના ગોડાઉનમાં ઘરવપરાશ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો સંગ્રહ કરતા હતા. ત્યારબાદ એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરી તેનું વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે જ્વલનશીલ ગેસનું બેદરકારીપૂર્વક રિફિલિંગ અને સંગ્રહ થવાથી આસપાસના લોકોની સુરક્ષા સામે જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ છે.

બીજા દરોડામાં વધુ 201 સિલિન્ડર કબજે

SMCના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે બીજો ગુનો નોંધાયો છે. ન્યુ નહેરુનગર, અટીકા સાઉથની શેરી નંબર-4 અને આરતી મેઇન રોડની શેરી નંબર-2માં આવેલા મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી વધુ 201 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

આ કેસમાં હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરી સહિત પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગેસ એજન્સીઓ સાથે જોડાયેલા લોકોની સંડોવણીની તપાસ

પોલીસ ફરિયાદમાં અલગ-અલગ ગેસ એજન્સીઓમાંથી સિલિન્ડરની ડિલિવરી સાથે સંકળાયેલા કેટલાક લોકોનાં નામ પણ સામે આવ્યાં છે. ઇન્ડેન, ભારત, એચપી, રિલાયન્સ સહિતની વિવિધ કંપનીઓના સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ અને રિફિલિંગ થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરવપરાશના સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ માટે ગેરકાયદે વેપાર થતો હોવાના પણ આક્ષેપ છે.

રૂ. 4.63 લાખનો મુદ્દામાલ જપ્ત

બંને દરોડા દરમિયાન ગેસ સિલિન્ડર ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા, સીલ, વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. 4,63,445નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને કેસમાં આવશ્યક ચીજવસ્તુ ધારા અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

હાલ બંને કેસની વધુ તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. ગોહિલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તેમજ આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

સ્થાનિક તંત્રની દેખરેખ સામે પણ સવાલો

ન્યુ નહેરુનગર જેવા રહેણાક વિસ્તારમાં ગેસ રિફિલિંગ અને સિલિન્ડરના સંગ્રહનું જોખમી કારસ્તાન ચાલતું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક પુરવઠા તંત્ર અને પોલીસની દેખરેખ સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, સ્થાનિક તંત્રની સંડોવણી અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગેસ જેવા જ્વલનશીલ પદાર્થનું ગેરકાયદે રિફિલિંગ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ હોવાથી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી સામે આવી છે.

Leave a Comment

और पढ़ें