સિંગાપોર: સિંગાપોરના વડાપ્રધાન લૉરેન્સ વોંગના પગારમાં 15 ઓક્ટોબરથી મોટો વધારો થવા જઈ રહ્યો છે. વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા નેતાઓમાં પહેલેથી ટોચ પર રહેલા વોંગના વાર્ષિક પગારમાં હવે 64 ટકાનો વધારો કરવામાં આવશે. વધારા બાદ તેમનો પગાર 28.5 લાખ અમેરિકી ડોલર સુધી પહોંચી જશે.
વોંગે જાહેરાત કરી છે કે વધારાના પગારમાંથી મળતી રકમ તેઓ આગામી પાંચ વર્ષ સુધી દાનમાં આપશે. નવી વેતન વ્યવસ્થા હેઠળ સિંગાપોરના સૌથી નીચલા સ્તરના મંત્રીનો વાર્ષિક પગાર પણ 11 લાખથી વધીને 12 લાખ સિંગાપોર ડોલર થશે. સરકારના અંદાજ મુજબ વર્તમાન કાર્યકાળના અંત સુધીમાં મોટાભાગના જુનિયર મંત્રીઓનો પગાર 13.5 લાખ ડોલર સુધી પહોંચી શકે છે.
ભ્રષ્ટાચાર રોકવા યોગ્ય વેતનનો તર્ક
પગાર વધારાના નિર્ણયનો બચાવ કરતા વોંગે કહ્યું કે રાજકારણમાં શ્રેષ્ઠ અને સક્ષમ લોકોને લાવવા માટે યોગ્ય વેતન જરૂરી છે. નેતાઓને પૂરતું વેતન મળવાથી ભ્રષ્ટાચારનું જોખમ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
જોકે, દેશમાં આ નિર્ણય સામે વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. મોંઘવારી અને રોજગાર સંબંધિત ચિંતાઓ વચ્ચે નેતાઓના પગારમાં મોટો વધારો સામાન્ય લોકોના એક વર્ગને અયોગ્ય લાગી રહ્યો છે.
વિશ્વના ટોપ-5 સૌથી વધુ પગાર મેળવનારા નેતાઓ
► 28.5 લાખ ડોલર – લૉરેન્સ વોંગ, સિંગાપોર
► 7.19 લાખ ડોલર – જ્હોન લી, હોંગકોંગ
► 6.06 લાખ ડોલર – ગાઈ પરમેલિન, સ્વિટ્ઝર્લેન્ડ
► 4 લાખ ડોલર – ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા
► 2.30 લાખ ડોલર – એડી બર્નમ, બ્રિટન









