PM મોદીના મુંબઈ કાર્યક્રમ પહેલાં બોગસ PMO કાર્ડનો મામલો, બે શખ્સો ઝડપાયા

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે યોજાનારા કાર્યક્રમ પહેલાં મુંબઈ પોલીસે બોગસ PMO કાર્ડના મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. BKC પોલીસ અને ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU)ની કાર્યવાહીમાં મુખ્ય આરોપી રોહન પારેખ અને તેના બોડીગાર્ડ દિલીપ કુંડે ઝડપાયા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરતાં 11 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.

રોહન પાસેથી PMOનું બોગસ આઈકાર્ડ મળ્યું

પોલીસના જણાવ્યા મુજબ, 24 વર્ષીય રોહન પારેખે સિટી યુનિવર્સિટી ઓફ લંડનમાં અભ્યાસ કર્યો છે અને તેનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ મેથ્સ તથા ફાઇનાન્સનું છે. તપાસ દરમિયાન તેની પાસેથી PMO અધિકારી તરીકેનું બોગસ આઈકાર્ડ મળી આવ્યું હતું.

આ આઈકાર્ડ પર માત્ર ‘C Grade’ લખેલું હતું. તેમાં કોઈ પદનો ઉલ્લેખ નહોતો અને વેલિડિટી ડેટ પણ આપવામાં આવી નહોતી. માત્ર ‘Issue Date’ દર્શાવવામાં આવી હતી.

ત્રીજો આરોપી ફરાર, કાવતરાની તપાસ ચાલુ

પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે પ્રાથમિક તપાસમાં આ મામલો સંભવિત ધમકી સાથે જોડાયેલો હોવાનું જણાય છે. તપાસમાં રોહનના મિત્ર પ્રથમેશ બાગુરનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે.

બીજી તરફ, બચાવ પક્ષના વકીલોએ પોલીસના આરોપોને ફગાવી દીધા હતા. વકીલોએ દલીલ કરી હતી કે રોહન અપરાધી નહીં પરંતુ પોતે જ છેતરપિંડીનો ભોગ બન્યો છે.

હાલ પોલીસ તપાસ કરી રહી છે કે રોહને બોગસ PMO આઈકાર્ડ શા માટે બનાવડાવ્યું હતું અને તેની પાછળનો હેતુ શું હતો.

Leave a Comment

और पढ़ें