કેન્દ્ર સરકારે રવિ સિઝનના છ મુખ્ય પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) જાહેર કર્યા છે. સરકાર દ્વારા ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ અને સૂર્યમુખીના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટના પ્રવક્તા અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં જણાવ્યું કે, નવા ભાવ મુજબ ઘઉંનો MSP રૂ.2,610 પ્રતિ ક્વિન્ટલ, જવનો રૂ.2,286, ચણાનો રૂ.5,958, મસૂરનો રૂ.7,390, સરસવનો રૂ.6,613 અને સૂર્યમુખીનો રૂ.7,215 પ્રતિ ક્વિન્ટલ રહેશે.
સરકારના નિર્ણયથી રવિ સિઝનમાં ઘઉં સહિતના વિવિધ પાકનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમના પાક માટે વધુ ભાવ મળવાની અપેક્ષા છે. ચણા, ઘઉં અને મસૂરના MSPમાં ખાસ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
સરકારે કુલ 324 લાખ મેટ્રિક ટન રવિ પાકની ખરીદી માટે આશરે રૂ.90,962 કરોડની રકમ ચૂકવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ખેડૂતોને તેમના ઉત્પાદન માટે નિશ્ચિત ભાવ મળવાની સાથે રવિ સિઝનમાં ખેતીને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.








