કાઠમંડુ: ભીષણ પૂર અને જળ હોનારતની અસરમાંથી નેપાળ હજુ બહાર આવ્યું નથી ત્યાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેપાળના મુસ્તાંગ, કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. પર્વતીય વિસ્તારોમાં તાજેતરમાં જ ભીષણ પૂર અને જળ હોનારતની ઘટના બની હોવાથી ભૂકંપના આંચકાએ લોકોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. જોકે, ભૂકંપ બાદ જાનહાનિ કે મોટા પાયે નુકસાન થયાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
લોમન્થાંગ વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર લોમન્થાંગ વિસ્તારમાં હતું. તેના આંચકા તિબેટ ઉપરાંત નેપાળના મુસ્તાંગ, બાગલુન્ગ અને ધૌલાગિરી સહિતના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.
ભૂકંપ બાદ સ્થાનિક અધિકારીઓએ સતર્કતા વધારી દીધી છે. સંભવિત આફતની સ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.









