રાજકોટ LCBએ જસદણના ગઢડીયા ચોકડી નજીક દારૂની હેરાફેરી કરતી સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. કારની સઘન તપાસ દરમિયાન બોનેટ સહિત અલગ-અલગ જગ્યાએ ખાસ બનાવેલા ચોરખાનામાં છુપાવેલી 384 બોટલ દારૂ મળી આવી હતી. પોલીસે કારચાલકને ઝડપી લઈ કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ LCBની ટીમને સફેદ રંગની સ્વિફ્ટ કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. કાર પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. શરૂઆતમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, પરંતુ વધુ તપાસ કરતાં કારમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે **જયંતી કુકા ઓતરાદી (ઉ.વ.42, રહે. ચીતલીયા, જસદણ)**ને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછ દરમિયાન દારૂની હેરાફેરીમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાહુલ છગન વાઘાણી, પ્રવિણ સેવા તોમર અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વલકુ ખાચરના નામ સામે આવ્યા છે.
પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.








