રાજકોટની બેડી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક ટ્રકચાલકનું મોત નીપજ્યું હતું. મૃતક ધરમશીભાઈ પંડિત પડાણા ગામેથી કોલસો ભરીને તાપીના સોનગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
મૃતક ધરમશીભાઈ શામરાભાઈ પંડિત (ઉં.વ. 35) દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા ગામના રહેવાસી હતા. તેઓ જીજે-24-વી-9887 નંબરના ટ્રકમાં કોલસો ભરી સોનગઢ તરફ જઈ રહ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, બેડી ચોકડી પાસે તેમના ટ્રક સાથે અન્ય એક ટ્રક અથડાયો હતો. અકસ્માતમાં ધરમશીભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે મૃતકના મિત્ર અને ટ્રકમાલિક દેવાભાઈ આંબલીયાએ રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં જીજે-12-બીવાય-5482 નંબરના ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.








