અમેરિકામાં નકલી ઓઝેમ્પિક દવાની હેરાફેરી અને વેચાણના આરોપમાં બે ભારતીયો સામે ફેડરલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, ફ્લોરિડાના મિડલ ડિસ્ટ્રિક્ટમાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ સ્વપ્નદીપ રોય અને વિકકી રામંચા સહિત અન્ય લોકો સામે ચીનમાંથી નકલી ઓઝેમ્પિક મેળવવાના અને તેને અમેરિકી વિતરકોને વેચવાના આરોપો મૂક્યા છે.
અહેવાલ મુજબ આરોપીઓએ ચીનમાંથી મેળવેલી કથિત નકલી દવા ઓછી કિંમતે અમેરિકી ડિસ્ટ્રિબ્યુટર્સને વેચી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નકલી દવાના પેકેજિંગને પણ અસલી ઓઝેમ્પિક જેવું બનાવવામાં આવ્યું હતું, જેથી ખરીદદારોને તે અસલી દવા હોવાનો ભ્રમ થાય.
નકલી દવાના પેકેટ સાથે આપવામાં આવતી માહિતીની ચિઠ્ઠી, પેનના લેબલ અને સોય સહિતની સામગ્રી પણ અસલી ઉત્પાદન જેવી તૈયાર કરવામાં આવી હોવાનો આરોપ છે. ઓઝેમ્પિકનો ઉપયોગ ડાયાબિટીસની સારવાર માટે થાય છે અને તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ વ્યાપક રીતે થાય છે.
કેસમાં એક આરોપીને ઈટાલીથી અમેરિકામાં પ્રત્યાર્પણ કર્યા બાદ ટામ્પાની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. જ્યારે બીજો આરોપી વિકકી રામંચા હજુ ફરાર હોવાનું ન્યાય વિભાગે જણાવ્યું છે.
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપો સાબિત થાય તો કેસમાં સંડોવાયેલા આરોપીઓને કુલ મળીને 71 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, આરોપીઓ સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.








