ચાંદીના ભાવમાં કડાકો, પ્રતિ કિલો ભાવ રૂ. 2 લાખની નીચે સરક્યો
દિવાળીના તહેવારો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. ચાંદીના ભાવમાં વધુ રૂ. 5,000થી વધુનો ઘટાડો થતાં પ્રતિ કિલો ભાવ રૂ. 1,94,125 પર પહોંચી ગયો છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં નબળાઈ અને ભારત સરકાર દ્વારા આગામી છ મહિના માટે 6,500 ટન ચાંદીની આયાતને મંજૂરી આપવાના નિર્ણયની બજાર પર અસર જોવા મળી રહી છે.
ઝવેરી બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, ચાંદીમાં રોકાણની માંગ નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં મોટા પ્રમાણમાં આયાતની છૂટ આપવાના નિર્ણયથી સ્થાનિક બજારમાં પુરવઠો વધવાની શક્યતા છે, જેના કારણે ભાવ પર વધુ દબાણ આવી શકે છે. સરકારના આ નિર્ણયથી ઝવેરીઓમાં આશ્ચર્ય ફેલાયું છે.
ભારત પોતાની ચાંદીની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. આયાતની છૂટ વધવાથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજાર વચ્ચેના પ્રીમિયમમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાતના ચાંદીના જાણીતા વેપારી ચિરાગ ઠક્કરના જણાવ્યા અનુસાર, છ મહિનાની જરૂરિયાતની સરખામણીએ આયાતની છૂટ મોટી છે, જેનાથી પ્રીમિયમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
અગાઉ વિદેશી હૂંડિયામણ પરનું દબાણ ઘટાડવા માટે સરકારે સોના-ચાંદીની આયાતને નિયંત્રિત કરવાનાં પગલાં લીધાં હતાં. હવે મોટી માત્રામાં આયાતની મંજૂરીને પગલે બજારમાં પુરવઠા અને ભાવની સ્થિતિ પર વેપારીઓની નજર છે.
બ્રેન્ટ ક્રૂડનો ભાવ 113 ડોલરને પાર
મધ્યપૂર્વમાં વધતા તણાવ અને સંભવિત યુદ્ધની આશંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અહેવાલ મુજબ, ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 100.09 ડોલર અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ 113.75 ડોલર નોંધાયો હતો. ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે ભારતના આયાત ખર્ચ અને અર્થતંત્ર પર દબાણ વધવાની આશંકા છે.









