ગુજરાત સહિત 12 રાજ્યોમાં 60 હજાર નાગરિકોને અપાશે લશ્કરી તાલીમ : મજબૂત સિવિલ ડિફેન્સ ફોર્સ તૈયાર કરવાની યોજના

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 હજાર નાગરિકોને સામેલ કરીને મજબૂત સિવિલ ડિફેન્સ ફોર્સ ઊભી કરવાની યોજના તૈયાર કરી છે. આ દળના સભ્યોને કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે તાલીમ આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આધુનિક સાધનોથી સજ્જ, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી અને કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકે તેવી સિવિલ ડિફેન્સ ફોર્સ બનાવવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા નાગરિકોને ત્રણ દિવસની તાલીમ આપવાનું આયોજન છે.

આ તાલીમમાં સૈન્યની પણ મદદ લેવામાં આવશે. ડાયરેક્ટર જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરશે. યોજના અનુસાર, દરેક રાજ્યમાં 50 માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે, જેઓ 600 નાગરિકોને તાલીમ આપશે.

નવેમ્બરના બીજા સપ્તાહથી આ કાર્યક્રમ શરૂ કરવાની યોજના છે. ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, મેઘાલય, સિક્કિમ, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દળોને સંભવિત જોખમો સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપથી કાર્યવાહી કરવા સક્ષમ બનાવવામાં આવશે.

Leave a Comment

और पढ़ें