ફિલિપાઈન્સમાં તાલીમ દરમિયાન બે વિમાનો હવામાં અથડાયાં : ચાર પાયલટનાં મોત

ફિલિપાઈન્સમાં એક એરબેઝ પર તાલીમ ઉડાન દરમિયાન વાયુસેનાનાં બે વિમાનો હવામાં એકબીજા સાથે અથડાતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ચાર પાયલટનાં મોત નીપજ્યાં હતાં. સેનાએ શનિવારે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી.

મળતી માહિતી અનુસાર, શુક્રવારે બટાંગસ પ્રાંતમાં આવેલા ફર્નાન્ડો એરબેઝ પર નિયમિત તાલીમ ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો. બંને વિમાનો SF-260 મોડલનાં ટ્રેનર એરક્રાફ્ટ હતાં. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઉડાન દરમિયાન બંને વિમાનો હવામાં અથડાયાં હતાં અને ત્યારબાદ એરબેઝના પરિસરમાં જ તૂટી પડ્યાં હતાં. જોકે, જમીન પર અન્ય કોઈ વ્યક્તિને નુકસાન થયું નહોતું.

દુર્ઘટના બાદ સત્તાવાળાઓએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી SF-260 વિમાનોની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સમાં આ પ્રકારનાં વિમાનો સાથે અગાઉ પણ અકસ્માતો થયા છે. અહેવાલ મુજબ, મે મહિનામાં ઉત્તર ફિલિપાઈન્સના પહાડી વિસ્તારમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટનાં મોત નીપજ્યાં હતાં.

Leave a Comment

और पढ़ें