આંબેડકરનગરમાં જનરલ પોલી ક્લિનિક ચલાવતો 65 વર્ષીય શખ્સ ઝડપાયો : ક્લિનિકમાં બેડ અને મેડિકલ સાધનો સાથે નર્સિંગ સ્ટાફ પણ રાખ્યો હોવાનો ખુલાસો
રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં હોમિયોપેથીની ડિગ્રીના આધારે એલોપેથીક દવાઓ આપીને સારવાર કરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો છે. પોલીસની ટીમે ક્લિનિકમાં દરોડો પાડીને રૂ. 94,258ની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, નીડલ સહિતનો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો. આરોપી છેલ્લા 28 વર્ષથી આ રીતે સારવાર આપતો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. જાડેજા સહિતની ટીમે આંબેડકરનગરની શેરી નંબર-1માં આવેલા જનરલ પોલી ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. અહીંથી વાજસુર ઉર્ફે વિજય આપા સુરૂ (ઉં.વ. 65)ને અટકમાં લેવામાં આવ્યો હતો. તે મૂળ ગોંડલ તાલુકાના બીલડી ગામનો અને હાલ રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
ક્લિનિકની તપાસ દરમિયાન ટેબલ પર ગોળીઓનાં અલગ-અલગ ડબ્બા, સોફા પર તથા તેના ખાનામાં વિવિધ દવાઓ અને તબીબી સારવારનાં સાધનો મળી આવ્યાં હતાં. મેડિકલ ઓફિસર દ્વારા દવાઓની તપાસ કરવામાં આવતાં તે એલોપેથીક હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવાનું, પરંતુ એલોપેથીક સારવાર માટેની ડિગ્રી ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં દર્દીઓને એલોપેથીક દવાઓ આપતો હોવાનું કબૂલ્યું હતું. તેણે ધોરણ-12 બાદ હોમિયોપેથીમાં ડિપ્લોમા કોર્સ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.
મીની હોસ્પિટલ ઊભી કરી, નર્સિંગ સ્ટાફ પણ રાખ્યો હોવાનો ખુલાસો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ક્લિનિકમાં બેડની વ્યવસ્થા કરીને મીની હોસ્પિટલ જેવું માળખું ઊભું કર્યું હતું અને દર્દીઓને સારવાર આપતો હતો. અહીં નર્સિંગ સહિતનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મેડિકલ સામાન જપ્ત કરીને આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે માલવિયાનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.
28 વર્ષ સુધી આરોગ્ય તંત્રને જાણ કેમ ન થઈ?
આ બનાવને પગલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. શહેરમાં એક શખ્સ લાંબા સમયથી ક્લિનિક ચલાવીને એલોપેથીક દવાઓથી સારવાર આપતો હોવા છતાં તંત્રને તેની જાણ કેમ ન થઈ, તે તપાસનો વિષય બન્યો છે. શહેરમાં અન્ય સ્થળોએ પણ આવી રીતે યોગ્ય લાયકાત વિના સારવાર આપતા લોકો કાર્યરત છે કે કેમ, તે અંગે તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.








