સાઉદી અરેબિયામાં બદલાતી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોએ પોતાની કેટલીક ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે રદ કરવાની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. રિયાધ માટેની આવતી-જતી ફ્લાઇટ્સ 31 ઓક્ટોબર 2026 સુધી, જ્યારે જેદ્દાહ, દમ્મામ અને મદીના માટેની ફ્લાઇટ્સ 27 ઓક્ટોબર 2026 સુધી રદ રહેશે.
દમ્મામ એરપોર્ટ પર ડ્રોન હુમલામાં ગોરખપુરના ભારતીયનું મોત
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર 21 ઓક્ટોબરે થયેલા ડ્રોન હુમલામાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બાસગાંવ વિસ્તારના કિશનપુર ઉર્ફે બગહી ગામના રહેવાસી કમલેશ પાંડેનું મોત થયું હતું. બીજી તરફ, લાલ સમુદ્રમાં હુમલાનો ભોગ બનેલી એક નૌકામાં સવાર 14 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. યમનમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે આ માહિતી આપી હતી.
અમેરિકાને સાથ આપનારા દેશોને પણ શત્રુ માનશેઃ ઈરાનની ચેતવણી
ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકા સાથે ભવિષ્યમાં ફરી સૈન્ય સંઘર્ષ થાય તો અમેરિકાને સમર્થન આપનારા દેશોને પણ ઈરાન વિરોધી શત્રુ તરીકે ગણવામાં આવશે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના સભ્ય ફદા હુસૈને જણાવ્યું હતું કે ઈરાનની કાર્યવાહી માત્ર આવા દેશોમાં આવેલા અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પરના હુમલા પૂરતી મર્યાદિત નહીં રહે.
દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો હતો કે અમેરિકાએ ઇઝરાયેલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી માટે ત્રણ વર્ષમાં કરદાતાઓના 11 અબજ ડોલર ખર્ચ્યા છે. આ નિવેદનોને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.








