26 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; ભારતમાં 70 વર્ષમાં ઉત્તરનાં ગરમ અને સૂકા વિસ્તારો વધ્યા, ખેતી પર સંકટનાં વાદળો
જલવાયુ પરિવર્તનની અસર હવે વિશ્વભરમાં વધુ સ્પષ્ટ થવા લાગી છે. એક અભ્યાસ મુજબ, યુરોપમાં આ વર્ષે ભીષણ ગરમીને કારણે 50 હજારથી વધુ લોકોનાં મોત થયાં હોવાનો અંદાજ છે. બીજી તરફ, ભારતમાં છેલ્લા સાત દાયકામાં હવામાનની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારો વધુ ગરમ અને સૂકા બન્યા છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભેજ અને વરસાદની સ્થિતિમાં વધારો નોંધાયો છે.
ઉત્તર ભારતમાં ગરમ અને સૂકા વિસ્તારોનો વિસ્તાર વધ્યો
ભારતીય હવામાન વિભાગ (IMD)ની ‘મૌસમ’ પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ 1951થી 2020 દરમિયાનના હવામાનના આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં 1951-1980 અને 1991-2020ના સમયગાળાની તુલના કરીને ભારતના જલવાયુમાં આવેલા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં અત્યંત ગરમ અને ઓછા વરસાદવાળા વિસ્તારોનો વ્યાપ અગાઉના આશરે એક-ચતુર્થાંશ ભૂભાગથી વધીને લગભગ એક-તૃતીયાંશ થયો છે. દેશના લગભગ 7 ટકા ભૂભાગમાં વધુ સૂકી પરિસ્થિતિઓ જોવા મળી છે. બીજી તરફ, દ્વીપકલ્પીય ભારતમાં ગરમ અર્ધ-શુષ્ક વિસ્તારોનો હિસ્સો 30 ટકાથી ઘટીને 16 ટકા થયો છે.
યુરોપનાં 30 દેશોમાં ગરમીથી મોતનો અભ્યાસ
યુરોપનાં 30 દેશોનાં 854 શહેરોમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન ગરમીને કારણે થયેલાં મોતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોના અંદાજ મુજબ, આ સમયગાળામાં ગરમીથી કુલ 50,391 લોકોનાં મોત થયાં હતાં. આ આંકડો છેલ્લા 26 વર્ષમાં ગરમી સંબંધિત મૃત્યુના સૌથી ઊંચા આંકડાઓમાંનો એક હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અભ્યાસ મુજબ, આ મોતમાંથી અંદાજે 32,600 મૃત્યુ જલવાયુ પરિવર્તનને કારણે વધેલા તાપમાન સાથે સંકળાયેલાં હતાં. સંશોધકોએ જલવાયુ પરિવર્તન ન થયું હોત તો તાપમાન કેવું રહેવાની શક્યતા હતી તેની તુલના વાસ્તવિક તાપમાન સાથે કરીને મૃત્યુનો અંદાજ તૈયાર કર્યો હતો.
ખેતી અને પાકના સમયપત્રક પર અસરની આશંકા
IMD પુણેનાં વૈજ્ઞાનિક અનન્યા કર્મકારના જણાવ્યા અનુસાર, 1951થી 2020ના જલવાયુ નકશાની તુલનામાં ઉત્તર ભારતમાં સૌથી સ્પષ્ટ ફેરફારો જોવા મળ્યા છે. ગરમ અને શુષ્ક હવામાનનો વિસ્તાર પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી ફેલાયો છે.
પૂર્વી ઉત્તર પ્રદેશ દેશના મહત્ત્વના કૃષિ વિસ્તારોમાંનો એક હોવાથી હવામાનમાં થતા આ ફેરફારો ખેતી માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને વાવણી અને લણણીના સમયગાળા દરમિયાન તાપમાન, વરસાદ અને ભેજની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવાની જરૂરિયાત અભ્યાસમાં રેખાંકિત થાય છે.








