સુરેન્દ્રનગરના વણોદ-આલમપર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, રૂ. 10.04 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી યથાવત્ રહી છે. ત્યારે પાટડી તાલુકાના વણોદ ગામથી આલમપર તરફ જતા મુખ્ય માર્ગ પર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ કારને ઝડપી પાડી હતી. પોલીસની ટીમે કારનો પીછો કરી તેને અટકાવી હતી, પરંતુ કારચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

કારચાલક ફરાર થઈ જતાં પોલીસની ટીમે કારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ પ્રકારના વિદેશી દારૂની બોટલો અને ચપલાં મળી કુલ 2,784 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 10.04 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે દસાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ફરાર કારચાલક સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલાની વધુ તપાસ દસાડા પોલીસને સોંપવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें