સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થયાનો દાવો

હેકર ગ્રુપે KYC દસ્તાવેજો સહિતની માહિતી હોવાનો દાવો કર્યો; SBI તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ નહીં

ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક થયાનો હેકર ગ્રુપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ડેટામાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, KYC દસ્તાવેજો, લોનની અરજીઓ તથા બેન્ક ખાતાં ખોલાવવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોનો સમાવેશ થતો હોવાનો દાવો છે.

‘સીરીયુસીમ’ નામના હેકર ગ્રુપે ડાર્ક વેબ સાથે જોડાયેલા એક ફોરમ પર આ માહિતી હોવાનો દાવો કર્યો છે. ગ્રુપના જણાવ્યા અનુસાર, તેની પાસે 3.75 લાખ ગ્રાહકોના રેકોર્ડ ધરાવતી CSV ફાઇલ અને 2,722 PDF ફાઇલો ઉપલબ્ધ છે. હેકર ગ્રુપે કેટલાક દસ્તાવેજો પણ શેર કર્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, આ મામલે SBI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

હેકર ગ્રુપનો દાવો સાચો સાબિત થાય તો ગ્રાહકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતીના સંભવિત દુરુપયોગનું જોખમ ઊભું થઈ શકે છે. આથી બેન્કના ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, ડેટા લીકના દાવાની સ્વતંત્ર પુષ્ટિ ન થઈ હોવાથી તેને હાલ દાવા તરીકે જ જોવો જરૂરી છે.

ભારતીય બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સામે સાયબર સુરક્ષાનાં જોખમો અંગે ચિંતા વધી રહી છે ત્યારે આ દાવાએ ફરી એકવાર ગ્રાહકોના ડેટાની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. નિષ્ણાતોની સલાહ મુજબ, ગ્રાહકોએ ગભરાવાને બદલે સાવચેતી રાખવી જોઈએ. બેન્કના નામે આવતા અજાણ્યા ફોન કે સંદેશાઓમાં OTP, PIN, પાસવર્ડ અથવા બેન્કિંગ વિગતો આપવી નહીં તેમજ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક બેન્કનો સંપર્ક કરવો જોઈએ.

Leave a Comment

और पढ़ें