ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન અને ઔદ્યોગિક વિસ્તરણની તકો અંગે ચર્ચા; રાજ્યમાં રોકાણ વધારવા કંપનીને આમંત્રણ
ગાંધીનગર/ટોક્યો: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ટોક્યોમાં વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના ચેરમેન ઇજી હાશિમોતો સાથે બેઠક કરી હતી.
કંપનીના મુખ્ય મથકે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારવા, ઔદ્યોગિક વિસ્તરણ અને રોકાણની નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કંપનીના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર હિદેકી ઓગાવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવીએ ગુજરાતના વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મજબૂત પોર્ટ કનેક્ટિવિટી અને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણની વિગતો રજૂ કરી હતી. સાથે જ તેમણે નિપ્પોન સ્ટીલને ગુજરાત સાથેની ભાગીદારી વધુ મજબૂત બનાવવા અને રાજ્યમાં રોકાણની સંભાવનાઓ ચકાસવા અનુરોધ કર્યો હતો.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો, સ્ટીલ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવાનો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સહયોગ વધારવાનો છે.








