રાજકોટમાં નવરાત્રિ પૂર્ણ થતાં જ દારૂની હેરાફેરી સામે પોલીસ સક્રિય બની છે. શહેરના રેલનગર અને કોઠારિયા વિસ્તારમાં પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરીને દારૂ ભરેલાં બે વાહનો ઝડપી પાડ્યાં છે. એલસીબી ઝોન-2એ રેલનગરમાંથી 240 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયામાંથી 84 બોટલ દારૂ ભરેલી અર્ટિગા કાર કબજે કરી હતી. બીજી કાર્યવાહીમાં કાર પાસે હાજર શખ્સ પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. બંને દરોડામાં કુલ રૂ. 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રેલનગરમાં માલવાહક ગાડીમાંથી દારૂની 240 બોટલ મળી
એલસીબી ઝોન-2ના પીએસઆઈ એસ.વી. ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રેલનગરની આસ્થા એવન્યુ સોસાયટીમાં રહેતો દિગ્વિજયસિંહ ગોહિલ ટાટા કંપનીની બંધ બોડીની માલવાહક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે મેરી ગોલ્ડ હાઇટ્સ નજીક વોચ ગોઠવી હતી.
બાદમાં શંકાસ્પદ ગાડીને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 80,640ની કિંમતનો દારૂ અને વાહન સહિત કુલ રૂ. 1,80,640નો મુદ્દામાલ કબજે કરીને દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ઉંમર 42)ની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ પણ દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે.
કોઠારિયામાં અર્ટિગા કારમાંથી 84 બોટલ દારૂ જપ્ત
બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કોઠારિયા મેઇન રોડ પર ગ્રીન પાર્ક ચારણવાડી પાછળના જાહેર પાર્કિંગમાં એક અર્ટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. પીએસઆઈ ડી.પી. ઝાલાની ટીમના પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે કાર પાસે હાજર શખ્સ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
પોલીસે કારની ડેકી તપાસતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ મળી આવી હતી. રૂ. 32,928ની કિંમતના દારૂ અને અર્ટિગા કાર સહિત કુલ રૂ. 4,32,928નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફરાર થયેલા શખ્સને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
નવરાત્રિ બાદ રાજકોટમાં દારૂની હેરાફેરી સામે પોલીસે હાથ ધરેલી આ બે કાર્યવાહીમાં કુલ 324 બોટલ દારૂ ઝડપાયો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર શખ્સની શોધખોળ ચાલુ છે.








