એપલ અને વિવોને મોટો ફટકો, સેમસંગે માર્કેટ શેર વધાર્યો; ઊંચી કિંમતોના કારણે માંગ પર અસર
ભારતમાં લગભગ એક દાયકામાં પ્રથમ વખત સ્માર્ટફોનના શિપમેન્ટમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિવિધ કંપનીઓએ આશરે 3.56 કરોડ સ્માર્ટફોન બજારમાં મોકલ્યા હતા. તહેવારોની મોસમ હોવા છતાં માંગમાં નબળાઈ જોવા મળી છે.
સ્માર્ટફોનના વધતા ભાવ અને ચિપ સહિતનાં ઘટકોની મોંઘવારીને વેચાણમાં ઘટાડાનાં મુખ્ય કારણો માનવામાં આવે છે. ખાસ કરીને એપલના શિપમેન્ટમાં 20%નો ઘટાડો નોંધાયો છે. નવા આઇફોન મોડલની રજૂઆત છતાં ઊંચી કિંમતને કારણે ગ્રાહકો જૂનાં મોડલ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
બીજી તરફ, સેમસંગે વિવોને પાછળ છોડીને બજારમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. સેમસંગના શિપમેન્ટમાં માત્ર 1%નો ઘટાડો થયો છે અને તેનો માર્કેટ શેર 19% રહ્યો છે. જ્યારે વિવોના શિપમેન્ટમાં 34%નો ઘટાડો નોંધાયો છે અને તેનો માર્કેટ શેર 18% રહ્યો છે.
સ્માર્ટફોનના ભાવમાં વધારાનું દબાણ યથાવત્ રહેતાં આગામી સમયમાં પણ વેચાણ પર અસર થવાની આશંકા છે. તહેવારો દરમિયાન પણ ગ્રાહકોની ખરીદીમાં અપેક્ષિત તેજી ન દેખાતાં સ્માર્ટફોન કંપનીઓ માટે પડકાર ઊભો થયો છે.








