કેલિફોર્નિયામાં ચૂંટણીમાં ગેરરીતિના કેસમાં 28 વિદેશી નાગરિકો સામે આરોપ; અમનદીપ કૌર અને કમલેશ શાહનાં નામનો સમાવેશ
અમેરિકાના કેલિફોર્નિયામાં ચૂંટણીમાં ગેરરીતિ અને બોગસ મતદાનના આરોપસર 28 ગ્રીનકાર્ડ ધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આ 28 વિદેશી નાગરિકોમાં બે ભારતીય મૂળનાં લોકોનો પણ સમાવેશ થાય છે. તેમની ઓળખ 30 વર્ષીય અમનદીપ કૌર અને 67 વર્ષીય કમલેશ શાહ તરીકે થઈ છે.
ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, બંને સામે ખોટી માહિતીના આધારે મતદાર તરીકે નોંધણી કરાવવા અને નવેમ્બર 2024ની અમેરિકી ચૂંટણીમાં મતદાન કરવાનો આરોપ છે. જોકે, આ આરોપો અંગે કોર્ટમાં ગુનો સાબિત થયો હોવાની માહિતી આપવામાં આવી નથી.
આરોપ મુજબ, સેક્રામેન્ટોના રહેવાસી કમલેશ શાહે નવેમ્બર 2024માં ચૂંટણીના દિવસે કથિત રીતે છેતરપિંડી કરીને મતદાર તરીકે નોંધણી કરાવી હતી અને ત્યારબાદ મતદાન કર્યું હતું. જ્યારે રેન્ચો પાલોસ વર્ડેસની રહેવાસી અમનદીપ કૌર અમેરિકાની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. તેના પર ડિસેમ્બર 2024માં ખોટી રીતે મતદાર નોંધણી કરાવી નવેમ્બર 2024ની ચૂંટણીમાં મતદાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવા માટે ન્યાય વિભાગે ‘ઓપરેશન પ્રોટેક્ટ ધ વોટ’ અભિયાન શરૂ કર્યું છે. આ કાર્યવાહી હેઠળ 28 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 11ની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે, ધરપકડ કરાયેલા લોકોમાં બંને ભારતીય આરોપીઓનો સમાવેશ થાય છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
અમેરિકાના કાયદા અનુસાર, ગ્રીનકાર્ડ ધારકોને કાયમી નિવાસીનો દરજ્જો મળે છે, પરંતુ તેઓ માત્ર ગ્રીનકાર્ડના આધારે સંઘીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવતા નથી. જો આરોપીઓ સામેના ગુના સાબિત થાય તો તેમને વધુમાં વધુ પાંચ વર્ષની સંઘીય જેલની સજા થઈ શકે છે.








