ભારતનાં લગભગ 100 ટકા ઉત્પાદનોને ન્યૂઝીલેન્ડમાં શૂન્ય ટેરિફ પર પ્રવેશ; આગામી 15 વર્ષમાં 20 અબજ ડોલરના રોકાણની અપેક્ષા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરાર (FTA)નો 20 ઓક્ટોબરથી અમલ શરૂ થવાનો હોવાની જાહેરાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કરી હતી. આ કરાર હેઠળ ભારતનાં લગભગ 100 ટકા ઉત્પાદનોને ન્યૂઝીલેન્ડના બજારમાં શૂન્ય ટેરિફ એટલે કે આયાત જકાત વિના પ્રવેશ મળશે. તેનાથી ચામડાં, જૂતાં-ચપ્પલ, કપડાં અને પરિધાન સહિતનાં શ્રમ આધારિત ક્ષેત્રોની નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
નિકાસકારો માટે નવી તકો
મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, 27 એપ્રિલે હસ્તાક્ષરિત આ કરારથી ન્યૂઝીલેન્ડમાં ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ સ્પર્ધાત્મક બની શકશે. આગામી 15 વર્ષ દરમિયાન ન્યૂઝીલેન્ડમાંથી ભારતમાં 20 અબજ અમેરિકી ડોલરના રોકાણનો માર્ગ પણ આ કરારથી ખુલવાની અપેક્ષા છે.
સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને કરારમાંથી બાકાત
આ કરારમાં કૃષિ ક્ષેત્રમાં સહયોગ અને ઉત્પાદકતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટેકનોલોજી અને ભારતની વિશાળ બજારક્ષમતાના સંયોજનથી કૃષિ ક્ષેત્રને લાભ મળી શકે છે. જોકે, ડેરી ઉત્પાદનો, ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદામ, કૃત્રિમ મધ અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને કરારની જોગવાઈઓથી બહાર રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
ખેડૂતો, મહિલાઓ અને નાના ઉદ્યોગોને લાભની આશા
મુક્ત વેપાર કરારથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો તથા વધુ રોજગારી આપતાં ક્ષેત્રો માટે નવી તકો ઊભી થવાની શક્યતા છે. ભારતીય નિકાસકારોને ફળો, શાકભાજી, મસાલા અને અન્ય કૃષિ ઉત્પાદનો માટે ન્યૂઝીલેન્ડના બજારમાં વધુ પહોંચ મેળવવામાં મદદ મળી શકે છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.








