પાણીની મોટરનો કેબલ ચોરનારા સાયલાના બે શખ્સો ઝડપાયા; ચોરાઉ બાઈક મળતાં બોટાદના વાહનચોરીના ગુનાનો પણ પર્દાફાશ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામે ગ્રામ પંચાયતની પાણીની મોટરનો કેબલ વાયર ચોરી કરવાના ગુનામાં રાજકોટ રૂરલ LCBએ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કોપર વાયરના ગૂંચળા અને ચોરાઉ બાઈક સહિત કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બોટાદ જિલ્લાના વાહનચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત વધુ બે શખ્સોની શોધખોળ ચાલુ છે.
મોટા માત્રા ગામે પાણીની મોટરનો કેબલ વાયર ચોરાયાની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી રૂરલ LCBએ તપાસ હાથ ધરી હતી. PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં બે પુરુષ અને એક મહિલા દેખાતાં પોલીસે હ્યુમન સોર્સની મદદથી તપાસનો દોર આગળ વધાર્યો હતો.
દરમિયાન રેવાણીયા-વિંછીયા રોડ પર રાંદલમા મંદિર નજીક એક બાઈકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. બાઈક પર સવાર બે શખ્સો પાસેથી કોપર વાયરના ગૂંચળા મળી આવતાં પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. બાઈકચાલક પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મદુરિયાએ આશરે 12 દિવસ પહેલાં બોટાદ જિલ્લાના અણિયારી કાઠી ગામેથી બાઈક ચોર્યું હોવાની કબૂલાત આપી હતી. તેની સાથે રહેલા સંજય ઉર્ફે સદો ખેંગારભાઈ મદુરિયાએ આશરે 20 દિવસ પહેલાં મોટા માત્રા ગામેથી કેબલ વાયર ચોર્યો હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે બંને આરોપીઓ પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મદુરિયા અને સંજય ઉર્ફે સદો ખેંગાર મદુરિયા, બંને રહે. કસવાળી, તા. સાયલા,ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કોપર વાયર અને બાઈક સહિત રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન સંજય ઉર્ફે સદોએ તેની પત્ની સોના મદુરિયા અને સાળા ભલી વસુ સાઢમીયા, રહે. ખારચીયા, તા. વિંછીયા,ની મદદથી કેબલ વાયર ચોર્યો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે પ્રભાત ઉર્ફે કાળુએ બાઈકચોરી ઉપરાંત કેબલ વાયર ચોરીના મુદ્દામાલને સગેવગે કરવામાં મદદ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આમ, રૂરલ LCBએ બે આરોપીઓને ઝડપી પાડી કેબલ વાયર ચોરી અને બાઈકચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. હવે પોલીસે આ કેસમાં સંડોવણી હોવાની આશંકા ધરાવતી મહિલા સહિત વધુ બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.








