જાપાનમાં હર્ષ સંઘવીના 11 મહત્વપૂર્ણ કાર્યક્રમો, ગુજરાતમાં રોકાણ વધારવા ઉદ્યોગકારો સાથે બેઠકો

ટોક્યો અને શિઝુઓકામાં વિવિધ કંપનીઓ સાથે ચર્ચા; ટેક્સટાઇલ, ગ્રીન એનર્જી, ઓટો કમ્પોનન્ટ અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ પર ભાર

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવા જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટોક્યો અને શિઝુઓકામાં કુલ 11 મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો, સરકારી પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો, ટેક્સટાઇલ ક્ષેત્રની બેઠક અને સત્તાવાર ડિનરનો સમાવેશ થાય છે.

પ્રવાસના પ્રારંભિક તબક્કામાં અલ્ટ્રાફેબ્રિક્સ, કાનેકા અને ઇતોચુ કોર્પોરેશન સહિતની કંપનીઓ સાથે રોકાણ અને ઔદ્યોગિક સહયોગ અંગે બેઠકો યોજાઈ હતી. અલ્ટ્રાફેબ્રિક્સના પ્રેસિડેન્ટ યોશિમુરા સાથે સિન્થેટિક લેધર ક્ષેત્રે રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી. જ્યારે કાનેકા કોર્પોરેશનના પ્રેસિડેન્ટ ઇસાવ ઓત્સુ સાથે કેમિકલ અને લાઇફ સાયન્સ ક્ષેત્રે ભાગીદારી અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ઇતોચુ કોર્પોરેશન સાથે ગ્રીન એનર્જી અને વૈશ્વિક વેપાર, જ્યારે હાઇરેસો સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ તથા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શિઝુઓકાના ગવર્નર સાથે દ્વિપક્ષીય બેઠક

પ્રવાસના બીજા તબક્કામાં હર્ષ સંઘવી શિઝુઓકાના ગવર્નર યાસુતોમો સુઝુકી સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ગુજરાત અને શિઝુઓકા વચ્ચે ઔદ્યોગિક વિકાસ, આધુનિક ટેક્નોલોજી તથા પરસ્પર સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા થશે. આ ઉપરાંત ગવર્નરને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવાનું પણ આયોજન છે.

ટેક્સટાઇલ, ઓટો કમ્પોનન્ટ અને ગ્રીન ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન

ટોક્યો પરત ફર્યા બાદ ફ્યુજીફિલ્મ કોર્પોરેશન સાથે ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સ અને રોકાણ, યાઝાકી ઇન્ડિયા સાથે ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રે સહયોગ તથા ગ્રીન કાર્બન સાથે કાર્બન ક્રેડિટ અંગે બેઠકો યોજાશે. જાપાનના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથેની રાઉન્ડટેબલ બેઠકમાં ગુજરાતનું ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, નવી ટેક્સટાઇલ નીતિ અને વૈશ્વિક નિકાસની તકો રજૂ કરવામાં આવશે.

પ્રવાસના અંતે ભારતીય રાજદૂત દ્વારા ટોક્યોના ‘ઇન્ડિયા હાઉસ’ ખાતે નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળના સન્માનમાં વિશેષ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે નવા રોકાણ અને ઔદ્યોગિક સહયોગની તકો ઊભી કરવાનો છે.

Leave a Comment

और पढ़ें