ઉત્તર-પૂર્વ દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવારે બપોરે ચાર માળની ઈમારતનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ બપોરે આશરે 3:15 વાગ્યે દિલ્હી ફાયર સર્વિસને થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
કાટમાળ નીચે ફસાયેલા 11 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે તાહિરપુરની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં એક બાળક અને ચાર મહિનાની ગર્ભવતી મહિલા સહિત કુલ 3 લોકોનાં મોત થયા છે. મૃતકો અને એક 12 વર્ષની સગીરાની ઓળખ સહિતની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
ઈમારત ધરાશાયી થતાં સીમાપુરી ગોળચક્કર અને બીએલએફ ભોપુરા આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકને અસર થઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો રહે તે માટે લોકોને વિસ્તારમાં ભીડ ન કરવા અને વાહનો ન થોભાવવા અપીલ કરી છે. રેસ્ક્યૂ ટીમો કાટમાળ હટાવીને અન્ય કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની તપાસ કરી રહી છે.









