રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ દરમિયાન યાત્રીઓ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ વચ્ચે થતા વિવાદોને ઘટાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટીસી-ટીટીઈને બોડી વોર્ન કેમેરા લગાવેલાં ખાસ બ્લેક જેકેટ આપવામાં આવી રહ્યાં છે.
આ જેકેટમાં લાગેલા કેમેરા દ્વારા ટિકિટ ચેકિંગની સમગ્ર પ્રક્રિયા અવાજ સાથે રેકોર્ડ કરવામાં આવશે. બે મહિના પહેલાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બે ટીસીને આવા જેકેટ પહેરાવીને ડ્યૂટી પર મુકાયા હતા. સારા પરિણામો મળ્યા બાદ મંગળવારે વધુ 30 ટીસીને કેમેરાવાળાં જેકેટ આપવામાં આવ્યાં છે.
ટિકિટ ચેકિંગ દરમિયાન યાત્રીઓને પણ જાણ કરવામાં આવી રહી છે કે સમગ્ર કાર્યવાહી કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રેકોર્ડિંગની જાણ થયા બાદ યાત્રીઓ તરફથી ચેકિંગમાં સહકાર વધ્યો છે, જ્યારે ટિકિટ ચેકિંગ સ્ટાફના વ્યવહારમાં પણ સુધારો જોવા મળ્યો છે.
લાંચ માગવા અથવા દુર્વ્યવહાર જેવા આરોપોની સ્થિતિમાં આ રેકોર્ડિંગ મહત્વના પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતાં હવે રેલવે તેને દેશના અન્ય વ્યસ્ત રેલવે સ્ટેશનો સુધી વિસ્તારવાની તૈયારીમાં છે. ભવિષ્યમાં ચાલતી ટ્રેનોમાં ડ્યૂટી કરતા ટીટીઈને પણ આવા બોડી વોર્ન કેમેરાવાળાં જેકેટ આપવામાં આવશે.









