ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલનને લઈને ટ્રમ્પનો દાવો : ‘ઈસ્લામ ફ્રાન્સ પર કબજો કરવા માગે છે’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ-પ્રદર્શનોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ફ્રાન્સની સ્થિતિ માટે મોટા પાયે માઈગ્રેશન અને ઈસ્લામને જવાબદાર ગણાવતા દાવો કર્યો કે આ માત્ર શાળાઓનો મુદ્દો નથી, પરંતુ ઈસ્લામ ફ્રાન્સ પર કબજો કરવાની કોશિશ કરી રહ્યું છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ફ્રાન્સમાં ચાલી રહેલી સ્થિતિને ‘બેકાબૂ માઈગ્રેશન’ સાથે જોડીને કહ્યું કે આ એક સમયે મહાન રહેલા દેશની સ્થિતિ અંગેનો ગંભીર મુદ્દો છે. તેમના આ નિવેદનથી ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધને લઈને રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની છે.

સેંકડો શાળાઓમાં વિદ્યાર્થીઓના વિરોધ

ફ્રાન્સમાં સપ્ટેમ્બરના અંતથી મોટી સંખ્યામાં હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ વિવિધ માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. દેશભરમાં સેંકડો શાળાઓના ગેટ બંધ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે છૂટીછવાઈ અથડામણો પણ થઈ હતી.

મંગળવારે ફ્રાન્સના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓ અને અન્ય પ્રદર્શનકારીઓ દ્વારા શાળાઓની સ્થિતિ અને વધુ સારી સુવિધાઓ સહિતની માગણીઓ ઉઠાવવામાં આવી રહી છે.

માઈગ્રેશન મુદ્દે ટ્રમ્પનું ફોકસ

ટ્રમ્પ અને તેમના પ્રશાસન દ્વારા લાંબા સમયથી યુરોપમાં માઈગ્રેશનને સામાજિક સમસ્યાઓ સાથે જોડીને તેની નીતિઓની ટીકા કરવામાં આવે છે. ટ્રમ્પે યુરોપિયન દેશોને તેમની સરહદો વધુ કડક કરવાની પણ અપીલ કરી છે.

આગામી અમેરિકી મધ્યાવધિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ આંદોલન સાથે જોડાયેલા નેતાઓ ફ્રાન્સના વિરોધ-પ્રદર્શનોને માઈગ્રેશનના મુદ્દા સાથે જોડીને પોતાની રાજકીય દલીલોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Comment

और पढ़ें